પાકિસ્તાની મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાને લંડનના મેયર તરીકે સીમાચિહ્નરૂપ સતત ત્રીજી વખત જીત મેળવી છે. સાદિક ખાને તેમના કન્ઝર્વેટિવ હરીફ સુસાન હોલને 276,000 કરતા વધુ મતોથી હરાવ્યા હતા અને લેબરના મતોમાં 3.2%નો વધારો કર્યો હતો. તેઓ 14માંથી 9 મતવિસ્તારોમાં જીત્યા હતા જેમાં બે મતવિસ્તારોતો ટોરીઝ પાસેથી આંચકી લીધા હતા.
સાદિક ખાને 1,088,225 મતો મેળવ્યા હતા જ્યારે સુસાન હોલને 812,397 મતો મેળવ્યા હતા. લિબરલ ડેમોક્રેટ્સ ત્રીજા, ગ્રીન પાર્ટી ચોથા અને રિફોર્મ યુકે પાંચમા સ્થાન પર રહી હતી.
સાદિક ખાને 2021માં જીતેલા મતવિસ્તારો લેમ્બેથ એન્ડ સધર્ક, બાર્નેટ અને કેમડેન, સિટી ઓફ લંડન એન્ડ ઈસ્ટ, મર્ટન એન્ડ વૉન્ડ્સવર્થ, ગ્રીનીચ એન્ડ લુઇશામ, એનફિલ્ડ અને હેરીંગે અને નોર્થ ઈસ્ટ સહિતના મતવિસ્તારો જીત્યા હતા. જ્યારે આ વખતે તેમણે કન્ઝર્વેટિવ્સ પાસેથી વેસ્ટ સેન્ટ્રલ 5.2% વધુ મત સાથે અને સાઉથ વેસ્ટ 2.7%ના સ્વિંગ સાથે જીત્યા હતા. ટોરી ઉમેદવાર સુસાન હોલે 811,000 વોટ મેળવ્યા હતા જે કુલ વોટનો 32.7% હિસ્સો ધરાવે છે. તો શ્રીમતી હોલે હેવરીંગ એન્ડ રેડબ્રિજ, ક્રોયડન અને સટન, બેક્સલી અને બ્રોમલી, ઇલિંગ અને હિલિંગ્ડન અને બ્રેન્ટ એન્ડ હેરોમાં જીત મેળવી હતી.
2016, 2021 અને હવે 2024માં મેયર તરીકે ચૂંટાયેલા સાદિક ખાને ઇસ્ટ લંડનના સિટી હોલમાં તેમની જીતની ઘોષણા કરાયા બાદ કહ્યું હતું કે “જે શહેરને હું પ્રેમ કરું છું તે શહેરની સેવા કરવી એ મારા જીવનનું સન્માન છે. હું અત્યારે નમ્રતા અનુભવું છું. મારા માટે થોડા મહિના મુશ્કેલ રહ્યા છે. અમે નોન-સ્ટોપ નકારાત્મકતાના અભિયાનનો સામનો કર્યો હતો પણ મને ગર્વ છે કે અમે તથ્યો સાથે ભયભીત જવાબ આપ્યો હતો. ત્રીજી મુદત માટે ફરીથી ચૂંટાઈ આવવું અને તે પણ વિજયના વધતા માર્જિન સાથે તે ખરેખર સન્માનની વાત છે. આજનો દિવસ ઈતિહાસ બનાવવાનો નથી, પણ આપણા ભવિષ્યને આકાર આપવાનો છે.”
તેમણે કહ્યું હતું કે “છેલ્લા આઠ વર્ષોથી લંડન ટોરી સરકારની ભરતી સામે તરી રહ્યું છે અને હવે એક લેબર પાર્ટી કેર સ્ટાર્મરના વડપણ હેઠળ ફરીથી શાસન કરવા માટે તૈયાર છે. ઋષિ સુનક પાસે જનતાને પસંદગી આપવાનો સમય આવી ગયો છે. આગામી સામાન્ય ચૂંટણી આપણા દેશ માટે માત્ર નવી દિશાનો માર્ગ જ મોકળો નહીં કરે પરંતુ સાથે સાથે તે બોલ્ડ પગલાં પણ લેશે જે લંડનવાસીઓ જોવા માંગે છે.”
તેમના મુખ્ય હરીફ શ્રીમતી હોલે સાદિક ખાનને તેમની જીત બદલ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે “હું સાદિકને સખત મહેનત કરતા પરિવારો, મોટરચાલકો અને મહિલાઓ માટે જવાબદાર ગણવાનું ચાલુ રાખીશ. હું સાદિકને વિનંતી કરું છું કે અમારા બધા ખાતર લંડનને વધુ સારું બનાવે.”
મેયરપદ માટેના મતોની ગણતરી શનિવારે સવારે 9 કલાકે શરૂ થઈ હતી અને સાંજે 5 વાગ્યે તમામ ઉમેદવારો સત્તાવાર જાહેરાત માટે સિટી હોલમાં હાજર થયા હતા.
લિબ ડેમના ઉમેદવાર રોબ બ્લેકીએ કહ્યું હતું કે “અમે લંડનમાં દરેક જગ્યાએ અમારો વોટશેર વધાર્યો છે અને લાંબા સમય બાદ પ્રથમ વખત ત્રીજા સ્થાને આવવા બદલ ખુશ છીએ. ગ્રીન પાર્ટીના લંડન એસેમ્બલીના સભ્ય કેરોલિન રસેલે મેયર પદના ઉમેદવાર ઝો ગાર્બેટને પ્રચાર દરમિયાન “બ્રેક આઉટ” અને “સૂર્યનું કિરણ લાવનાર વ્યક્તિ” તરીકે વર્ણવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે લંડનના મેયર સમગ્ર રાજધાનીમાં રહેતા 8.9 મિલિયન લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનું બજેટ £20.4 બિલિયન છે. લંડનના મેયર ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) માટે જવાબદાર છે અને શહેરમાં રસ્તાઓ, પોલીસિંગ અને હાઉસિંગ પર તેમનું થોડું નિયંત્રણ છે. લંડન એસેમ્બલીના 14 સ્થાનિક પ્રતિનિધિઓમાંથી એક અને લંડનના મેયરને જવાબદાર ગણનારા 11 લંડન વાઈડ એસેમ્બલી સભ્યોમાંથી એક માટે લંડનવાસીઓએ ગુરુવાર તા. 2 ના રોજ મતદાન કર્યું હતું.
લેબર પાર્ટીએ લિવરપૂલ સિટી રિજન અને સાઉથ યોર્કશાયર મેયરલ રેસ, નોર્થ ઈસ્ટ મેયર્લટી તેમજ ઈસ્ટ મિડલેન્ડ્સની તદ્દન નવી મેયર્લટી જીતી.