ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના નિલેશ કુંભાણીની ઉમેદવારી રવિવારે જિલ્લા રિટર્નિંગ ઓફિસરે રદ કર્યું હતું. ઉમેદવારીપત્રમાં દરખાસ્તકર્તાઓની સહીમાં પ્રથમ દૃષ્ટિએ વિસંગતતા જણાયા બાદ ચૂંટણીપંચે આ નિર્ણય કર્યો હતો. સુરતમાંથી કોંગ્રેસના અવેજી ઉમેદવાર સુરેશ પડસાલાનું ઉમેદવારીપત્ર પણ અમાન્ય કરવામાં આવ્યું હતું, તેનાથી આ લોકસભા બેઠક પર કોંગ્રેસનો કોઇ ઉમેદવાર રહ્યો ન હતો.
રિટર્નિંગ ઓફિસર સૌરભ પારધીએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે કુંભાણી અને પડસાલા દ્વારા સબમિટ કરાયેલા ચાર ઉમેદવારી ફોર્મ પ્રથમ દૃષ્ટિએ નકારી કાઢવામાં આવ્યા છે, કારણ કે દરખાસ્તકર્તાઓની સહીઓમાં વિસંગતતાઓ જોવા મળી છે અને આ સહીઓ અસલી દેખાતી નથી. દરખાસ્તકર્તાઓએ તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેઓએ જાતે ફોર્મ પર સહી કરી ન હતી
આ ગતિવિધિને પુષ્ટિ આપતાં કોંગ્રેસ પક્ષના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે “ચાર પ્રસ્તાવકર્તાઓએ ફોર્મ પર સહીઓ તેમની ન હોવાનું કહેતા દિનેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોર્મ નકારી કાઢવામાં આવ્યા છે.” માંગુકિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ મુદ્દે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.
ભાજપે સુરત લોકસભા સીટ પરથી મુકેશ દલાલને મેદાનમાં ઉતાર્યા છે.