અમેરિકામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદ જિલ્લાની રહેવાસી ત્રણ મહિલાઓના મોત થયા છે. રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ, અને મનીષાબેન પટેલ નામની આ મહિલાઓ સાઉથ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં એક એસયુવી કારમાં જતા હતા ત્યારે તે એક બ્રિજ સાથે અથડાઇને રસ્તા ઉપરથી નીચે પડી ગઇ હતી.
ગ્રીનવિલે કાઉન્ટી કોરોનરની ઓફિસના જણાવ્યા મુજબ, તેમની કાર હાઇવે પર ઉત્તર તરફ જતી હતી ત્યારે કાર, તમામ લેનમાંથી પસાર થઈને બ્રિજની વિરુદ્ધ દિશામાં વૃક્ષો સાથે અથડાઈ તે અગાઉ હવામાં ઓછામાં ઓછી 20 ફૂટ ફંગોળાઇ હતી.
ચીફ ડેપ્યુટી કોરોનર માઈક એલિસે મીડિયાને જણાવ્યું હતું કે, “એ બાબત સ્પષ્ટ છે કે તેઓ નિશ્ચિત ઝડપની મર્યાદાથી વધુ ગતિએ મુસાફરી કરી રહ્યા હતા.” તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે અન્ય કોઈ કાર અકસ્માતમાં સામેલ નથી.
કાર એક ઝાડ પર ફસાયેલી જોવા મળી હતી, અને જે વેગથી તે આસપાસના સ્થાનોમાં અથડાઇ હતી તેથી તેના ઘણા ટુકડા થઇ ગયા હતા.
તેમણે આ અભૂતપૂર્વ અકસ્માતનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે, “ખૂબ જ ઓછા કિસ્સામાં એવું જોવા મળે છે કે કોઈ વાહન રસ્તા પરથી એટલી ઝડપે નીકળી જાય કે તે ટ્રાફિકની 4-6 લેન કૂદીને અંદાજે 20 ફૂટ ઝાડ પર ચઢી જાય.”
સાઉથ કેરોલિના હાઇવે પેટ્રોલ, ગેન્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ અને અન્ય સ્થાનિક એજન્સીઓએ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં બચી ગયેલી એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તેવું કહેવાય છે.
chandnisoni123
54 Blog posts