રિલાયન્સ કેપિટલ ખરીદવાના સોદાને મંજૂરીના મળ્યાના 48 કલાકમાં પેમેન્ટ કરાશેઃ અશોક હિન્દુજા

રિલાયન્સ કેપિટલ ખરીદવાના સોદાને મંજૂરીના મળ્યાના 48 કલાકમાં પેમેન્ટ કરાશેઃ અશોક હિન્દુજા

હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (IIHL)ને અનિલ અંબાણની રિલાયન્સ કેપિટલને રૂ.9,650 કરોડમાં ખરીદવા માટે હજુ સુધી વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા  ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Irdai)ની મંજૂરી મળી નથી. આ અંગે IIHL વીમા નિયમનકારી સંસ્થાના સંપર્કમાં છે અને આ સોદા અંગે શક્ય તેટલી ઝડપથી મંજૂરી મળવાની આશા છે. સામાન્ય રીતે આવા સોદાને મંજૂરી મળતાં 2થી 3 મહિના લાગતા હોય છે, એમ કંપનીના ચેરમેન અશોક હિન્દુજાએ જણાવ્યું હતું.

મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા હિન્દુજાએ જણાવ્યું હતું કે ઇરડાઈની મંજૂરીના 48 કલાકની અંદર IIHL બિડ કરેલી રકમ ચૂકવી શકશે અને સોદો પૂર્ણ કરી શકશે. આરકેપને રૂ. 9,650 કરોડમાં ખરીદવાનો સોદો પૂર્ણ કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની 27મે સુધીની સમયમર્યાદા આપી છે. આ એક્વિઝિશન માટેનું ફંડ મેળવવા માટે મોરેશિયસ સ્થિત IIHLએ બેન્કો પાસેથી રૂ.7,500 કરોડની લોન મેળવવાની સમજૂતી કરી છે. બાકીના રૂ.2,000 કરોડનું ફંડ ઇક્વિટી મારફત આપવામાં આવશે.

27 ફેબ્રુઆરીના રોજ NCLTની મુંબઈ બેન્ચે RCAPને ખરીદવા માટે IIHLએ સબમિટ કરેલા રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. રિલાયન્સ કેપિટલમાં સામાન્ય અને જીવન વીમા બિઝનેસનો સમાવેશ થાય છે. વીમા નિયમનકારી સંસ્થાની મંજૂરી વગર ફાઇનલ પેમેન્ટ થશે નહીં. જો વીમા નિયમનકારી સંસ્થા 27મેની મહેતલ સુધી મંજૂરી નહીં આપે તો આ મહેતલમાં વધારો કરવાની અરજી કરાશે. આ સોદાને આરબીઆઈ, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા અને કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી મંજૂરી મળી છે.

મીડિયા રીપોર્ટ મુજબ વીમા નિયમનકારી સંસ્થાના વીમા કંપનીઓમાં સીધા વિદેશી રોકાણની મર્યાદા, ખરીદી માટે ઋણ પર આધાર અને IIHLના કોર્પોરેટ માળખામાં અસ્પષ્ટતા જેવી ચિંતાઓ છે. જોકે આ મુદ્દે હિન્દુજાએ કોઇ ટીપ્પણી કરી ન હતી.

રિલાયન્સ કેપિટલ માટેના બીજા બિડર ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ વિશેના પ્રશ્નના જવાબમાં હિન્દુજાએ જણાવ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો પેન્ડિંગ હશે તો પણ IIHL ચૂકવણી કરશે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો નથી. અહીં ઉલ્લેખનીય છે કે આરકેપ-IIHL સોદાને ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.


chandnisoni123

54 Blog posts

Comments